GUJARAT

છોટાઉદેપુરની નવી ઓળખ: વહીવટની ધુરા સંભાળતી સબળ ‘નારી શક્તિ’

છોટાઉદેપુરની નવી ઓળખ: વહીવટની ધુરા સંભાળતી સબળ ‘નારી શક્તિ’
Give to Gain: જ્યારે નારીને મળે છે અવસર, ત્યારે સર્જાય છે વિકાસની નવી કેડી
સત્તા, સેવા અને સમર્પણ: છોટાઉદેપુરના વિકાસમાં મહિલા અધિકારીઓનું ભગીરથ પ્રદાન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: આદિવાસી રાઠ પ્રદેશમાં નારી શક્તિનો સાક્ષાત્કાર

સંયુકત રાષ્ટ્રએ ૧૯૭૫માં ૮ માર્ચને “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”તરીકે ઉજવવાની જાહેરાત કરી ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસને “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહિલાઓ પ્રત્યે સમાનતા લાવવી અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. મહિલાઓ સામાજિક,આર્થિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવાને દિવસ છે.વિશ્વમાં ભારત વ્યાપાર અને ટેકનોલોજી ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે, જેમાં મહિલાઓનો પણ મોટો ફાળો રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૯૬ થી દર વર્ષે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” માટે એક ખાસ ‘થીમ’ નક્કી કરવામાં આવે છે. જેમ કે, કોઈ વર્ષે શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, તો કોઈ વર્ષે સમાનતા પર; જેથી વિશ્વભરનું ધ્યાન કોઈ એક ચોક્કસ મુદ્દા પર કેન્દ્રિત કરી શકાય. જ્યારે આ વર્ષે “Give to Gain” થીમ પસંદ કરવામાં આવી છે, જેનો સીધો અર્થ થાય છે “આપો તો મેળવો”. એટલે કે, મહિલાઓને જ્યારે આપણે સંસાધનો આપીએ છીએ, ત્યારે માત્ર મહિલાઓને જ નહીં પરંતુ આખા સમાજને તેનો લાભ મળે છે. મહિલા સશક્તિકરણનો અર્થ માત્ર શિક્ષણ કે રોજગાર સુધી સીમિત નથી, પરંતુ નિર્ણય લેવાની શક્તિ, સ્વાભિમાન અને સમાન અધિકારો મેળવવાનો છે.

પ્રેમ, ત્યાગ અને સહનશીલતાની સાથે તે મજબૂત મનોબળ સાથે નિર્ણય કરવાની શક્તિ પણ ધરાવે છે. વર્તમાન સમયમાં મહિલાઓ રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, સાહિત્ય અને સેનામાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ત્યારે ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદે ઓરસંગ નદીના કિનારે વસેલા બહુમૂલ્ય આદિવાસી વસ્તી ધરાવતા રાઠ પ્રદેશમાં રાજકીય અને વહીવટ ક્ષેત્રે મહિલાઓ સક્રિયપણે કાર્યરત છે. મહિલાઓ લગ્નજીવન, બાળકો અને પરિવારની જવાબદારી સાથે તેઓ સરકારમાં સર્વોચ્ચ પદ પર નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.અંતરિયાળ છોટાઉદેપુર જિલ્લાનો નારી શક્તિ દ્વારા સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

“જ્યારે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને સંસાધનો પૂરા પાડવામાં આવે છે, ત્યારે વિકાસની નવી કેડી કંડારાય છે, જેનું જીવંત ઉદાહરણ આજે અંતરિયાળ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળી રહ્યું છે. અહીં પદાધિકારીઓથી લઈને વહીવટી અધિકારીઓ સુધીના મહત્વના હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન થઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લાની પ્રગતિમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે, તો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સુશાસન અને વ્યવસ્થા જાળવવાનું સુચારુ કાર્ય કરી રહ્યા છે. આ સાથે મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર વહીવટી કુશળતા દ્વારા જનકલ્યાણના કાર્યોમાં વેગ લાવી રહ્યા છે, જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સતત કાર્યરત રાખવામાં આવે છે. કાર્યપાલક ઈજનેર નેહલ નાઈક જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગોને સુગમ બનાવી પાયાની માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરી રહ્યા છે, તો બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ છે.મહેસૂલી અને વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે જેતપુરપાવીના મામલતદાર સોનાલીબેન ઓઝા મહેસૂલી અને રેવન્યુ કામગીરી સંભાળી રહ્યા.
આ ઉપરાંત, જિલ્લા તિજોરી અધિકારી સવિતાબેન ચૌધરી સમગ્ર જિલ્લાના નાણાકીય વ્યવહારો સંભાળી રહ્યા છે, જ્યારે મહિલા અને બાળ વિકાસ અધિકારી હીનાબેન ચૌધરી નારી ઉત્કર્ષ માટે અને ICDS પ્રોગ્રામ ઓફિસર ક્રિશ્નાબેન પટેલ બાળકોના પોષણ માટે સમર્પિત ભાવે કાર્યરત છે. કલા અને સંસ્કૃતિ, સરકારી યોજનાઓને પ્રચાર –પ્રચારના માધ્યમ દ્વારા જન જન સુધી પહોચાડવાનું કાર્ય સહાયક માહિતી નિયામક કુ. માર્ગી રાજપુત કરી રહ્યા છે, તો પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. કેવડિયા જિલ્લામાં કાયદો, સુરક્ષા અને શાંતિ જાળવવાની જવાબદારી નિભાવી રહ્યા છે.ડુંગરવાટ સરપંચ ડૉ બીના રાઠવા ગ્રામ્યકક્ષાએ માળખાકીય સુવિધાઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સતત કાર્યશીલ છે.

આમ, છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્તરે કાર્યરત આ મહિલા પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ દ્વારા ‘નારી શક્તિ’નો સાક્ષાત્કાર કરાવી રહ્યા છે.”

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!