છોટાઉદેપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની દુકાનોમાં સઘન ચેકિંગ
છોટાઉદેપુર છોટાઉદેપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની દુકાનોમાં સઘન ચેકિંગ
ચેકિંગ દરમિયાન વાસી ખોરાક અને કેમિકલ યુક્ત કલરનો નાશ કરાયો: નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગ દર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-છોટાઉદેપુરના ડેઝિગ્નેટેડ ઓફિસર પી.એમ.શાહની ઉપસ્થિતીમાં છોટાઉદેપુરમાં આવેલી ખાણી-પીણીની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં “ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ”ની જોગવાઈઓ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.ઝુંબેશ દરમિયાન ટીમ દ્વારા આધુનિક “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” (FSW) ટેસ્ટિંગ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તંત્રની ટીમ દ્વારા જિલ્લા સેવા સદન રોડ તેમજ તેની આસપાસના વિસ્તારો જેવા કે શાક માર્કેટ અને મુખ્ય બજારમાં સઘન ચેકિંગ કરીને કુલ ૨૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પર જ કુલ ૩૫ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ તપાસ દરમિયાન અંદાજીત ૧૦ કિલોગ્રામ જેટલો વાસી તેમજ બિનઆરોગ્યપ્રદ (અનહાઇજેનિક) સ્થિતિમાં સંગ્રહ કરી રાખેલો ખાદ્ય પદાર્થ અને ૨ કિલોગ્રામ જેટલો હાનિકારક ફૂડ કલર મળી આવતા તંત્ર દ્વારા આ આખા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.



