આદિવાસી સમાજના મસીહા, જનનાયક અને વિકાસપુરુષ સ્વ. મોહનસિંહ રાઠવા : એક યુગનો અસ્ત, પરંતુ એક યુગપુરુષનું અમર અજવાળું

આદિવાસી સમાજના મસીહા, જનનાયક અને વિકાસપુરુષ સ્વ. મોહનસિંહ રાઠવા : એક યુગનો અસ્ત, પરંતુ એક યુગપુરુષનું અમર અજવાળું
સંઘર્ષ તેમનો શ્વાસ હતો, સેવા તેમનો ધર્મ હતો, સાદગી તેમનું આભૂષણ હતું અને જનકલ્યાણ તેમની સાધના હતી
આદિવાસી સમાજના આ મહાન પુત્રને, જનમાનસના આ અવિસ્મરણીય જનનાયકને અને વિકાસના આ અખંડ દીપસ્તંભને કોટિ-કોટિ ભાવાંજલિ
દીવા ઓલવાઈ જાય છે, પરંતુ તેમનું અજવાળું ક્યારેય મરતું નથી… સ્વ. મોહનસિંહ રાઠવાનું જીવન પણ એવું જ અવિનાશી અજવાળું છે
કેટલાક દીવા માત્ર પોતાના ઘરનો અંધકાર દૂર કરતા નથી, પરંતુ આખા પ્રદેશના માર્ગને પ્રકાશિત કરી જાય છે. કેટલાક વૃક્ષો માત્ર છાંયો આપતા નથી, પરંતુ પેઢીઓ સુધી અસંખ્ય જીવનોને આશ્રય આપે છે. કેટલાક માણસો માત્ર જીવન જીવતા નથી, પરંતુ પોતાના કર્મોથી ઇતિહાસના પાનાંઓ પર અમીટ અક્ષરે અંકિત થઈ જાય છે. સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા એવા જ વિરલ વ્યક્તિત્વ હતા.
તેમનું જીવન કોઈ રાજકીય કારકિર્દીનું વર્ણન નહોતું, પરંતુ સંઘર્ષ, સમર્પણ, સાદગી અને સેવાની એવી અવિરત યાત્રા હતી, જે આદિવાસી સમાજના સ્વાભિમાન સાથે અખંડ રીતે જોડાયેલી રહી. તેમણે સત્તાને ક્યારેય ગંતવ્ય માન્યું નહીં; સત્તા તો તેમના માટે સમાજસેવાનું એક સાધન હતી. તેથી જ આજે તેમના અવસાનને લોકો એક નેતાની વિદાય નહીં, પરંતુ પોતાના પરિવારના વડીલની વિદાય તરીકે અનુભવી રહ્યા છે.
છોટાઉદેપુરની ધરતી આજે જાણે મૌન થઈ ગઈ છે. ગામડાંના રસ્તાઓ, પહાડોની હરિયાળી, જંગલની શીતળ હવા અને નદીઓના કિનારા પણ જાણે એક એવા વ્યક્તિત્વને શોધી રહ્યા છે, જેણે જીવનભર આ ધરતીના સુખ-દુઃખને પોતાનું માન્યું હતું.
સંઘર્ષની ભઠ્ઠીમાં ઘડાયેલું વ્યક્તિત્વ
મોહનસિંહ રાઠવાનો જન્મ સામાન્ય આદિવાસી પરિવારમાં થયો, પરંતુ તેમના વિચારો અસામાન્ય હતા. બાળપણમાં ગરીબી, અભાવ અને ગ્રામ્ય જીવનની મુશ્કેલીઓએ તેમને જીવનનો સાચો પાઠ ભણાવ્યો. જ્યાં અનેક લોકો પરિસ્થિતિઓ સામે હારી જાય છે, ત્યાં તેમણે એ જ પરિસ્થિતિઓને પોતાના વ્યક્તિત્વ ઘડવાનું સાધન બનાવ્યું.
તેમણે બાળપણથી જ જોયું હતું કે શિક્ષણના અભાવે કેટલાંય સપનાં અધૂરાં રહી જાય છે, રસ્તાઓના અભાવે ગામો વિકાસથી વંચિત રહી જાય છે અને ગરીબી માણસના આત્મવિશ્વાસને પણ ક્યારેક કચડી નાખે છે. કદાચ આ જ અનુભવો તેમના અંતરમાં એક એવો સંકલ્પ બનીને પ્રગટ્યા કે જીવનનો દરેક શ્વાસ પોતાના સમાજ માટે સમર્પિત કરવો.
લોકોના હૃદય સુધી પહોંચેલો નેતા
રાજકારણમાં અનેક લોકો આવે છે, પરંતુ દરેક વ્યક્તિ લોકહૃદયમાં સ્થાન બનાવી શકતી નથી. મોહનસિંહ રાઠવાએ લોકોના મત પહેલાં લોકોનો વિશ્વાસ જીત્યો હતો.
તેમની પાસે આવતો માણસ મતદાર નહોતો, પરંતુ પરિવારનો સભ્ય હતો. કોઈ ગરીબ દર્દીને સારવારની જરૂર હોય, કોઈ યુવાનને અભ્યાસ માટે સહાય જોઈએ, કોઈ ખેડૂતને ન્યાય મેળવવો હોય કે કોઈ ગામને રસ્તો જોઈએ—તેમના માટે દરેક પ્રશ્ન પોતાનો પ્રશ્ન બની જતો.
આદિવાસીઓના ના પ્રશ્નો ની રજૂઆત અને વિકાસ માટે તેમણે ઘરડા કાર્યોને શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. આદિવાસી સમાજ પ્રત્યે તેઓ સમર્પિત નેતા હતા. એટલે તેઓને આદિવાસીઓના મસીહા તરીકે પણ આજે લોકો યાદ કરે છે.
તેમની મુલાકાત માત્ર ઔપચારિકતા નહોતી; તે વિશ્વાસનો સ્પર્શ હતી. તેમના શબ્દોમાં આશ્વાસન હતું, નજરમાં આત્મીયતા હતી અને નિર્ણયોમાં લોકહિતની સુગંધ હતી.
લોકવિશ્વાસનો અડગ શિખર
સતત દસ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવું એ માત્ર ચૂંટણી જીતવાની ઘટના નથી; તે તો લોકોના હૃદયમાં ઊભેલા વિશ્વાસના મંદિરનું પ્રતિબિંબ છે.
દરેક ચૂંટણીમાં લોકોએ તેમને મત નહીં, પરંતુ આશીર્વાદ આપ્યા. તેમણે સાબિત કર્યું કે રાજકારણમાં સૌથી મોટી મૂડી સત્તા નહીં, પરંતુ લોકોનો વિશ્વાસ છે. આ વિશ્વાસ તેમણે ભાષણોથી નહીં, પરંતુ પોતાના કાર્યથી મેળવ્યો હતો.
વનમંત્રી તરીકે વિકાસ અને પ્રકૃતિનો સમન્વય
વનમંત્રી તરીકે તેમણે જંગલોને માત્ર વૃક્ષોનો સમૂહ માન્યો નહોતો. તેમના માટે જંગલો આદિવાસી જીવનની સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને અસ્તિત્વના આધારસ્તંભ હતા. વન અધિનિયમ 2006 પ્રમાણે જંગલની જમીન ખેડતા આદિવાસીઓને જમીનની સનદો અપાવવામાં તેમની ભૂમિકાને આદિવાસી સમાજ ક્યારેય ભૂલી શકે તેમ નથી.
તેમણે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયત્ન કર્યો. જંગલ બચાવવો અને જંગલમાં વસતા માનવજીવનનું સન્માન કરવું—આ બંને તેમની દૃષ્ટિમાં એકબીજાના પૂરક હતા.
આદિવાસી અસ્મિતાના અડગ પ્રહરી
મોહનસિંહ રાઠવાનું આખું જીવન આદિવાસી સમાજની અસ્મિતા માટે સમર્પિત રહ્યું.
તેમણે શિક્ષણને વિકાસનો પાયો ગણાવ્યો, રસ્તાઓને પ્રગતિનો માર્ગ માન્યો, પાણીને જીવનનું ધબકારું ગણાવ્યું અને સ્વાભિમાનને સમાજની સૌથી મોટી સંપત્તિ કહી. આદિવાસી સમાજ તેમજ છોટાઉદેપુર જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે તેઓએ અનેક સંસ્થાને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ મદદ કરી છે. સ્થાનિક લોકોનો અવાજ બની ગાંધીનગરમાં વિધાનસભા સુધી રજૂઆતો કરી જિલ્લામાં શિક્ષણના અજવાળા પાથર્યા છે.
જંગલ અધિકાર હોય, જમીનના પ્રશ્નો હોય, ખેડૂતોની ચિંતાઓ હોય કે યુવાનોના ભવિષ્યની વાત—તેઓ હંમેશા અડીખમ અવાજ બનીને ઊભા રહ્યા.
સાદગી—તેમના વ્યક્તિત્વનું અલંકાર
સાચું મહાન વ્યક્તિત્વ ક્યારેય આડંબરથી માપી શકાય નહીં.
ઊંચા હોદ્દા પર પહોંચ્યા પછી પણ તેમની જીવનશૈલીમાં વિનમ્રતા, વ્યવહારમાં સરળતા અને વાણીમાં મધુરતા યથાવત્ રહી. કદાચ આ જ કારણ છે કે સામાન્ય માણસ તેમને પોતાના પરિવારના સભ્ય તરીકે જોતો હતો.
તેમના માટે પદ પ્રતિષ્ઠા કરતાં માણસનું દુઃખ મોટું હતું.
અંતિમ વિદાય—આંસુઓથી લખાયેલો ઇતિહાસ
તેમના નિધનના સમાચાર ફેલાતા જ સમગ્ર આદિવાસી પટ્ટામાં જાણે શોકની ચાદર પથરાઈ ગઈ.
અંતિમ દર્શન માટે ઉમટેલો જનસાગર એ વાતનો સાક્ષી હતો કે મોહનસિંહ રાઠવાએ માત્ર રાજકીય સ્થાન નહીં, પરંતુ લોકોના હૃદયમાં અવિનાશી સ્થાન મેળવ્યું હતું.
કોઈની આંખોમાં આંસુ હતા, કોઈના હોઠ પર તેમની યાદો હતી અને કોઈના હૃદયમાં તેમની સાથે વિતાવેલી ક્ષણો જીવંત થઈ ઊઠી હતી. એ દૃશ્ય માત્ર વિદાયનું નહોતું, પરંતુ એક યુગપુરુષ પ્રત્યેના જનપ્રેમનું વિરાટ દર્શન હતું.
વારસો જે ક્યારેય સમાપ્ત નહીં થાય
વ્યક્તિનું આયુષ્ય સીમિત હોય છે, પરંતુ તેના વિચારોનું આયુષ્ય અનંત હોય છે.
મોહનસિંહ રાઠવાનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે પદ, પ્રતિષ્ઠા અને સત્તા સમય સાથે બદલાઈ જાય છે, પરંતુ સેવા, સચ્ચાઈ અને સમર્પણ ક્યારેય મૃત્યુ પામતા નથી.
આવનારી પેઢીઓ જ્યારે આદિવાસી સમાજના વિકાસનો ઇતિહાસ વાંચશે, ત્યારે મોહનસિંહ રાઠવાનું નામ માત્ર રાજકારણી તરીકે નહીં, પરંતુ લોકચેતનાના શિલ્પી, આદિવાસી અસ્મિતાના રક્ષક અને જનસેવાના મહાયજ્ઞના અગ્રદૂત તરીકે સન્માનપૂર્વક યાદ કરશે.
ભાવભીની અંતિમ અંજલિ
આજે એક યુગપુરુષની ભૌતિક ઉપસ્થિતિ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો હજી પણ આદિવાસી ધરતીના પવનમાં વહે છે, તેમના કાર્યો હજારો પરિવારોના જીવનમાં ધબકે છે અને તેમનું સ્મિત લાખો હૃદયોમાં જીવંત છે.
સમયની રેતી પર ઘણા પગલાં ભૂંસાઈ જાય છે, પરંતુ કેટલાક પગલાં ઇતિહાસ બની જાય છે. સ્વ. મોહનસિંહ રાઠવાએ પોતાના કર્મોથી એવા જ અમિટ પગલાં મૂક્યા છે.
સ્વ. મોહનસિંહ રાઠવા: સંઘર્ષને વિકાસમાં ફેરવનાર જનનાયકની અવિસ્મરણીય ગાથા
રતનપુરના પુલ નિર્માણ માટેના સંઘર્ષમાં મોહનસિંહની વિકાસની ભૂમિકાએ વિસ્તારને રાજનીતિ કેવી હોવી જોઈએ તેના પાઠ શીખવ્યા!
સાચો નેતા પદથી નહીં, પરંતુ લોકોના વિશ્વાસથી મહાન બને છે
સમય ક્યારેક એવા પ્રશ્નો સામે સમાજને ઊભો કરે છે, જ્યાં માત્ર શાસનના આદેશો પૂરતા નથી હોતા; ત્યાં જનશક્તિ, લોકનેતૃત્વ અને અડગ સંકલ્પની જરૂર પડે છે. ઓરસંગ નદીના કિનારે ઊભેલો રતનપુરનો પુલ માત્ર સિમેન્ટ અને લોખંડનું માળખું નથી, પરંતુ તે હજારો લોકોના સંઘર્ષ, વિશ્વાસ અને સ્વ. મોહનસિંહ રાઠવાના દૃઢ નેતૃત્વનું જીવંત પ્રતીક છે.
આજે જ્યારે ભારજ (સિહોદ) પુલની દુર્દશા સમગ્ર પંથકને ચિંતિત બનાવી રહી છે, ત્યારે લોકોના મનમાં સ્વાભાવિક રીતે એક જ નામ ગુંજી ઊઠે છે—સ્વ. મોહનસિંહ રાઠવા. કારણ કે તેમણે માત્ર વચનો આપ્યા નહોતા, પરંતુ લોકોના આંસુઓને વિકાસના માર્ગમાં ફેરવવાનો પુરુષાર્થ કર્યો હતો.
વર્ષ 1989માં મોટી અમરોલના કનુભાઈ ભુનાભાઈ રાઠવા (કડિયો)એ “પુલ નહીં તો વોટ નહીં”ના ગર્જતા સૂત્ર સાથે સમગ્ર દક્ષિણ પટ્ટીને એક મંચ પર લાવી દીધી હતી. 42 ગામોની સંઘર્ષ સમિતિ રચાઈ, ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપવામાં આવી અને લોકશક્તિએ સરકારને વિચારવા મજબૂર કરી. આંદોલન માત્ર વિરોધ નહોતું; તે લોકોના જીવનના હક્ક માટેની લડત હતી.
આ લડતને અંતિમ સફળતા ત્યારે મળી, જ્યારે જનતાના વિશ્વાસને સમજનારા લોકનેતા સ્વ. મોહનસિંહ રાઠવાએ ચૂંટાયા બાદ પોતાનું વચન નિભાવ્યું. સ્ટેમ્પ પેપર પર લખાયેલા શબ્દોને તેમણે શાસકીય હકીકતમાં ફેરવી બતાવ્યા. રતનપુરનો નવો પુલ મંજૂર થયો અને વર્ષોથી તકલીફ ભોગવતા હજારો પરિવારોને રાહત મળી.
1990માં બોડેલીનો ઓરસંગ પુલ તૂટી પડ્યો ત્યારે પણ સમગ્ર વિસ્તાર મુશ્કેલીમાં મુકાયો હતો. વેપાર, શિક્ષણ, આરોગ્ય અને રોજિંદું જીવન થંભી ગયું હતું. પરંતુ તે સંજોગોમાં પણ સ્વ. મોહનસિંહ રાઠવાએ મંત્રી તરીકે માત્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું નહોતું; તેમણે તાત્કાલિક સરકારને સક્રિય બનાવી, વધારાના સ્પાન સાથે પુલનું પુનઃનિર્માણ કરાવ્યું અને સમગ્ર વિસ્તારને ફરી ગતિ આપી. આ જ તેમની કાર્યશૈલી હતી—સમસ્યાને રાજકારણ નહીં, પરંતુ જવાબદારી તરીકે જોવાની.
આજે કનુભાઈ ‘કડિયો’ 80 વર્ષની ઉંમરે પોતાના જીવનના સંઘર્ષને યાદ કરે છે. તેમની આંખો સામે ફરી એકવાર પુલોની સમસ્યા ઊભી છે, પરંતુ યુવાનીનું જોમ હવે તેમની પાસે નથી. બીજી તરફ, સ્વ. મોહનસિંહ રાઠવા પણ આજે આપણી વચ્ચે નથી. છતાં તેમની યાદો, તેમનું નેતૃત્વ અને લોકો માટે જીવેલું જીવન આજે પણ પંથકને પ્રેરણા આપે છે.
જો સ્વ. મોહનસિંહ રાઠવા આજે હોત, તો કદાચ લોકોના મનમાં આટલી નિરાશા ન હોત—આવો ભાવ સામાન્ય નાગરિકોના હૃદયમાંથી સહજ રીતે વ્યક્ત થાય છે. કારણ કે તેમણે પોતાના સમગ્ર જાહેર જીવનમાં લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી, સત્તાને સાધન બનાવી હતી, સાધ્ય નહીં.
આજનો સમય ફરી એક વખત યુવાનોને સંદેશ આપી રહ્યો છે. કનુભાઈના સંઘર્ષ અને સ્વ. મોહનસિંહ રાઠવાના વિકાસલક્ષી નેતૃત્વમાંથી પ્રેરણા લઈને જો યુવા પેઢી લોકશાહી અને સવિનય માર્ગે સંગઠિત બને, તો માત્ર ભારજ (સિહોદ) પુલ જ નહીં, પરંતુ સમગ્ર પંથકના જર્જરિત પુલોના કાયમી ઉકેલનો માર્ગ પણ મોકળો થઈ શકે.
સ્વ. મોહનસિંહ રાઠવા હવે ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું જીવન એ શીખવે છે કે સાચો નેતા પદથી નહીં, પરંતુ લોકોના વિશ્વાસથી મહાન બને છે. ઓરસંગના વહેતા જળની જેમ તેમનું કાર્ય આજે પણ પેઢીઓ સુધી પ્રેરણાની ધારા બની વહેતું રહેશે. જ્યારે પણ આ પ્રદેશના પુલોની વાત થશે, ત્યારે સંઘર્ષના પ્રણેતા કનુભાઈ ‘કડિયો’ અને તે સંઘર્ષને વિકાસમાં ફેરવનાર જનનાયક સ્વ. મોહનસિંહ રાઠવાનું નામ સુવર્ણ અક્ષરે લખાતું રહેશે.
વિદાય એક અનોખા લોકનેતાની જેમણે સર્વ જન સુખાકારી માટે અવિરત કામ કર્યું…
૫ મી જૂનનો રવિવાર વિદાયના દુઃખદ સમાચાર આપીને સમયની ગર્તામાં વિલીન થઈ ગયો.કપરી વિદાયના સમાચાર આવ્યા પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર થી.વિદાય લેનાર વિરલ વ્યક્તિ માત્ર આદિવાસી સમુદાય માટે નહીં પરંતુ સર્વ સમાજ માટે ખાસ હતા.તેઓ લોક પ્રતિનિધિત્વના ક્ષેત્રમાં આગવી કેડી કંડારી જનારા એવા લોકનેતા હતા જેમણે પચાસ થી વધુ વર્ષોની લોકચાહના ની મૂડી ભેગી કરી અને જન સેવાનો વારસો પરિવારને અને સમાજને આપીને ગયા.એમનું નામ મોહનસિંહ છોટુભાઈ રાઠવા હવે સ્વર્ગસ્થ નહીં પણ હૃદયસ્થ મોહનસિંહ ભાઈ.
મોહનસિંહ ભાઈ એ વિધાનસભા ચૂંટણીમાં પાવી જેતપુર બેઠક પરથી એક સમયના મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલને હરાવીને લગભગ ૧૯૭૫ ના ગાળામાં જાયંટ કિલર તરીકે નામના મેળવીને ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી.તેઓ ધરતીના માણસ હતા એટલે એમની રાજકીય કારકિર્દી પાંચ દાયકાથી પણ વધુ લાંબી ચાલી અને જો એમણે દીકરા રાજેન્દ્રસિંહને તૈયાર કરીને નિવૃતિ જાહેર ના કરી હોત તો કદાચ આજે એમણે પૂર્વ નહીં પણ ધારાસભ્ય તરીકે વિદાય લીધી હોત.જો કે કદાચ અગમ ના એંધાણ તેઓ પારખી ગયા હતા.તેમણે પૂર્વ પટ્ટીને એનો પહેલો મોટો ડેમ સુખી ડેમ અપાવવા સંઘર્ષ કર્યો અને લગભગ પાંચ તાલુકાના લોકોને સુખી કરી ગયા.નર્મદા યોજના નો લાભ આ વિસ્તારને આંશિક મળ્યો પરંતુ તેના પહેલા સુખી ડેમનો લાભ મળી ચૂક્યો હતો.કોલેજ સહિત શિક્ષણની જ્યોત પ્રગટાવનારી સંસ્થાઓની એમણે ભેટ આપી.તેઓ ધરતીના માણસ હતા અને તેમની લોક સંપર્કની શૈલી ખૂબ અનોખી હતી.તેઓ લોકોના ઘરે લગ્ન અને શુભ પ્રસંગો, માઠા પ્રસંગોમાં અવશ્ય હાજરી આપતા.આ રીતે લોકો સાથે તેમણે સ્નેહનો નાતો બાંધ્યો અને પ્રાસંગિક લોક સંપર્ક દ્વારા લોકોની મુશ્કેલીઓ જાણી અને શક્ય તેટલું નિરાકરણ કર્યું.તેઓ મોટેભાગે દરેકને,મોટાભાઈ કહીને હેતાળવું સંબોધન કરતા.તેઓ તંત્રના અધિકારી,કર્મચારી સહુને માન આપીને પ્રેમથી લોકોના કામ કરાવી લેતા.આ તેમની આગવી કળા હતી.તેઓ અગાઉની પાવી જેતપુર અને સીમાંકન પછીની છોટાઉદેપુર બેઠક પરથી દસવાર વિધાનસભામાં ગયા,શ્રેષ્ઠ વિધાનસભ્ય નું બહુમાન મેળવ્યું.પૂર્વ પટ્ટી મોહનભાઇ ને હંમેશા યાદ રાખશે.તેઓ આદિવાસી સમુદાયના તો હતા જ પરંતુ સર્વ જન સમુદાયના પ્રિય નેતા હતા.
છેક નવી દિલ્હી થી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીએ એમને ભાવસભર અંજલિ પાઠવી.તેઓ છેલ્લે ભાજપમાં જોડાયા તે પહેલા,નરેન્દ્રભાઈ હતા ત્યારે અને તે પછી વિધાનસભામાં સામી પાટલીએ બેઠા છતાં એમની કર્મશીલતા ની,એક કર્મઠ નેતાની અમીટ છાપ પક્ષ વિપક્ષના બધા નેતાઓ પર છોડી ગયા એની પ્રતીતિ મોદી સાહેબે આપેલી ભાવાંજલિ કરાવે છે.
તેઓ લોકસભાની છોટાઉદેપુર બેઠક માટે પ્રવાહ સામો હતો ત્યારે ચૂંટણીઓ લડ્યા એટલે સફળતા ના મળી.અને ૧૯૮૯ માં નવી દિલ્હી જવાની ઉજ્જવળ તક પોતે ઝડપી લેવાને બદલે રાજકીય શિષ્ય નારણભાઇ ને આપી.મોહનસિંહ ભાઈએ ૧૯૮૯ ની ચૂંટણી અગાઉ જ નારણભાઇ ના વિજયનું મેદાન તૈયાર કરી દીધું હતું એની નોંધ લેવી પડે.
જો તેઓ દિલ્હી ગયા હોત તો આજે રાષ્ટ્રીય કક્ષાના આદિવાસી મોવડી માં તેમનું નામ અંકાયેલું હોત.જો કે તેમણે જાતે જ ગુજરાતમાં રહીને આદિવાસી સેવા,સર્વ જન સેવાનો સંકલ્પ સાકાર કર્યો.
મોહનસિંહ ભાઈની વિદાયથી એક ખાસ પ્રકારની રાજકીય શૈલીમાં અટકાવ ભલે આવ્યો પરંતુ એમના રાજકીય વારસદાર અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ અને તેમના મોટા ભાઈ એમના સેવા વારસાને એટલી જ યશસ્વી રીતે આગળ ધપાવશે એવો વિશ્વાસ રાખી શકાય.
1 આદિવાસીઓના સાચા મસિહા મોહનસિંહ રાઠવાના નિધન ને પગલે એક જનનાયક આપણે ગુમાવ્યો છે- જશુભાઈ રાઠવા, સંસદ સભ્ય, છોટાઉદેપુરઆદિવાસી સમાજના અગ્રણી નેતા અને પૂર્વ વનમંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના નિધનથી સમગ્ર રાજ્યએ એક અનુભવી, નિષ્ઠાવાન અને લોકપ્રિય જનનેતા ગુમાવ્યો છે. તેમના અધૂરા સપનાઓને સાકાર કરવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ રહીશું.
2છોટાઉદેપુર જિલ્લા અને મધ્ય ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં જ મોહનસિંહ હતા- અભેસિંહ તડવી, ધારાસભ્ય, સંખેડામોહનસિંહ રાઠવાએ પોતાના સમગ્ર જાહેર જીવનમાં શિક્ષણ, જંગલ-જમીનના હક્કો, સિંચાઈ, રસ્તા અને ગ્રામ વિકાસ માટે સતત સંઘર્ષ કર્યો હતો. તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.છોટાઉદેપુર જિલ્લા અને મધ્ય ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં જ મોહનસિંહ હતા
3.રતનપુરના પુલના નિર્માણ માટે તેમણે લેખિતમાં બાહેધરી આપી હતી અને તે પૂર્ણ પણ કરી હતી- કનુભાઇ ભુનાભાઈ રાઠવા ઉર્ફે કડીયા રહે.મોટી અમરોલઆદિવાસી સમાજના હક્ક અને સ્વાભિમાન માટે તેમણે જીવન સમર્પિત કર્યું હતું. તેમની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેવી નથી. સમાજ તેમને હંમેશા યાદ રાખશે.રતનપુરના પુલના નિર્માણ માટે તેમણે લેખિતમાં બાહેધરી આપી હતી અને તે પૂર્ણ પણ કરી હતી
4. લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બનનારા સરળ સ્વભાવના નેતા હતા-મોંટુભાઈ શાહ, ઉપ સરપંચ, પાવીજેતપુરમોહનસિંહભાઈ સૌને સાથે લઈને ચાલનારા, સરળ સ્વભાવના અને લોકોના દુઃખ-સુખમાં ભાગીદાર બનનારા નેતા હતા. તેમની સાદગી અને સેવાભાવ નવી પેઢી માટે પ્રેરણારૂપ રહેશે.
5. તેમનું અવસાન જાહેર જીવન માટે મોટી ખોટ છે- અરવિંદ રોહિત, સિનિયર વકીલ રહે.તેજગઢદાયકાઓ સુધી લોકપ્રતિનિધિ તરીકે તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો અને વિકાસલક્ષી રાજકારણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમનું અવસાન જાહેર જીવન માટે મોટી ખોટ છે.
6તેઓ એક કાબેલ અને જનતાને સમર્પિત નેતા હતા- જી.બી.સોલંકી, ઉપપ્રમુખ, બરોડા ડેરીસામાન્ય જનનો અવાજ સાંભળવા માટે મોહન સિંહ રાઠવા સદા તત્પર રહેતા હતા. ગામડાના અદના વ્યક્તિને પણ તેઓ નામ જોગ ઓળખતા. પ્રત્યેક ગામની સમસ્યાઓ ઉકેલવા તેઓના પ્રયાસો તેઓ એક કાબેલ અને જનતાને સમર્પિત નેતા હોવાનું પ્રમાણિત કરતા હતા.
7અમે રાજકીય ગુરુ ગુમાવ્યો છે- સુખરામ રાઠવા, પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતાએક જમાનામાં રાઠવા ત્રિપુટી વિધાનસભા સુધી અસર કરતી હતી, મોહનસિંહના અવસાનને લીધે અમે અમારો રાજકીય ગુરૂ ગુમાવ્યો છે. અમે અમારું પોતાનું એક અંગ શરીરથી છૂટું પડી ગયુ હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.
જ્યારે જનતાએ મુખ્યમંત્રીને હરાવ્યા: મોહનસિંહ રાઠવાની ઐતિહાસિક જીતની ગાથાજોકે આ ચૂંટણી ન લડવા મોહનસિંહે ચીમનભાઇ પટેલને સલાહ પણ આપી હતી!****ગુજરાતના રાજકારણમાં કેટલીક ચૂંટણીઓ માત્ર પરિણામ પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ ઇતિહાસ બની જાય છે. એવી જ એક ચૂંટણી હતી, જ્યારે આદિવાસી વિસ્તારના લોકપ્રિય યુવા નેતા મોહનસિંહ રાઠવાએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ સામે 1975ની વિધાનસભા ચૂંટણીનો જંગ લડ્યો.તે સમયના રાજકીય માહોલમાં ચીમનભાઈ પટેલનું નામ સત્તા, સંગઠન અને પ્રભાવનું પ્રતીક માનવામાં આવતું હતું. બીજી તરફ મોહનસિંહ રાઠવા પાસે ન તો સત્તાનો વૈભવ હતો, ન પ્રચારનો દેખાવ. તેમની સૌથી મોટી તાકાત હતી લોકોનો વિશ્વાસ, ગામડાં સાથેનો જીવંત સંબંધ અને આદિવાસી સમાજના પ્રશ્નો માટેનો સંઘર્ષ.કહેવાય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન મોહનસિંહ રાઠવા રોજ ગામેગામ ફરી લોકોના ઘરે પહોંચતા. ચોપડે-ચોપડે બેઠકો યોજાતી, ફળિયામાં લોકો સાથે સંવાદ થતો અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થતી. તેમના પ્રચારમાં ભવ્ય સભાઓ કરતાં સીધો જનસંપર્ક વધુ જોવા મળતો.મતદાન બાદ જ્યારે પરિણામ આવ્યું, ત્યારે સમગ્ર ગુજરાતનું ધ્યાન આ બેઠક પર હતું. રાજ્યના મુખ્યમંત્રીને 13055 મતે હરાવી મોહનસિંહ રાઠવાએ ઐતિહાસિક જીત નોંધાવી. આ જીત માત્ર એક ઉમેદવારની જીત નહોતી; તેને આદિવાસી સમાજના આત્મવિશ્વાસ અને લોકશક્તિના પ્રતીક તરીકે જોવામાં આવી.આ વિજય પછી મોહનસિંહ રાઠવા રાજ્યની રાજનીતિમાં મજબૂત સ્થાન ધરાવતા નેતા બન્યા. તેમણે સતત અનેક વખત વિધાનસભામાં જનતાનું પ્રતિનિધિત્વ કર્યું અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે કામ કર્યું. તેથી જ લોકો તેમને માત્ર રાજકારણી નહીં, પરંતુ જનનાયક અને વિકાસપુરુષ તરીકે પણ યાદ કરે છે.આ ચૂંટણીની ગાથા આજે પણ રાજકીય કાર્યકરો અને વરિષ્ઠ નાગરિકો એક ઉદાહરણ તરીકે યાદ કરે છે—કે જ્યારે લોકોનો વિશ્વાસ મજબૂત હોય, ત્યારે સત્તાની તાકાત પણ નબળી પડી જાય છે.


