
છોટાઉદેપુરના સંતુલિત વિકાસમાં વસ્તી ગણતરીની મહત્વપૂર્ણ ભૂમિકા
છોટાઉદેપુર જિલ્લામાં સચોટ વસ્તી ગણતરીથી સર્વાંગી વિકાસ તરફનું સશક્ત પગલું
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી દર વર્ષે જુદી જુદી થીમ આધારિત થાય છે. આ વર્ષની થીમ ‘Data Collection and Inclusivity’ ડેટા એકત્રીકરણ અને સર્વસમાવેશકતા પર આધારિત છે, જેનો અર્થ વિકાસની પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સચોટ ગણતરી કરવાનો છે.
વસ્તી ગણતરીએ દેશ અને જિલ્લાના સંતુલિત વિકાસનો સચોટ નકશો તૈયાર કરવાનું માધ્યમ છે. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારો ધરાવતા જિલ્લાઓમાં વસ્તી ગણતરીના સાચા આંકડા જ વહીવટી તંત્રને છેવાડાના ગામડાઓ સુધી વિકાસ યોજનાઓ પહોંચાડવામાં મદદ કરે છે.
છોટાઉદેપુર જિલ્લો મુખ્યત્વે આદિવાસી બહુલ વસ્તી ધરાવતો સરહદી વિસ્તાર છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની કુલ વસ્તી આશરે ૧૦,૭૧,૮૩૧ જેટલી છે, જેમાં આદિવાસી સમુદાયનું પ્રમાણ આશરે ૭૯.૯૪% જેટલું મોટું છે. અહીં મુખ્યત્વે રાઠવા , ડુંગરાભીલ અને ધાનકા સહિત અન્ય સમુદાયના લોકો વસવાટ કરે છે.
છોટાઉદેપુર જિલ્લો જાતિ સમાનતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં દર ૧૦૦૦ પુરુષોની સામે આશરે ૯૬૭ મહિલાઓ વસે છે, જે જિલ્લાના સ્વસ્થ સામાજિક અભિગમની જીવંત સાબિતી છે. અહીંની વિશાળ વસ્તિ ગ્રામ્ય વિસ્તારોમાં વશે છે.
છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને સરકારી છાત્રાલયો કાર્યરત છે. અહીં સ્થાનિક કક્ષાએ રોજગારી ઊભી કરવા માટે યુવાનો અને કારીગરોને વિવિધ વ્યવસાયો માટે વિનામૂલ્યે સાધનો આપવામાં આવે છે. આ ઉપરાંત, દૂધ સંજીવની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ અહીંના નાગરિકો મેળવી રહ્યા છે.
છોટાઉદેપુર જેવા ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક વિસ્તારમાં ડેટા એકત્રીકરણનું કામ પડકારજનક હોય છે. આવા સમયમાં જિલ્લાના શિક્ષકો, તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે પણ અંતરિયાળ ગામડાઓ અને ખૂણે-ખૂણે આવેલી આદિવાસી વસાહતો સુધી રૂબરૂ જઈને ચોક્કસ વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરે છે.
-૦૦-