જાણો આદિવાસી સમુદાયમાં અખાત્રીજનું મહત્વ*
પ્રકૃતિ તેના નવા વર્ષના વધામણા વૈશાખ માસના પડવાથી શરૂ કરે છે. વનસ્પતિમાં પાનખર પછી નવી કુપણો ફુટે છે, લતાઓ નવી ફુટી લીલીછમ બને છે, પક્ષીઓમા નવી રૂવાટી અને પીછા નવા આવે છે, સરીસૃપ પોતાની જૂની કાચલી ઉતારી નવી કાચલી ધારણ કરે છે. સમગ્ર પ્રકૃતિ પોતાનું જૂનું સ્વરૂપ ત્યજી, નવા સ્વરૂપને ધારણ કરે છે.
આ સમયે પ્રકૃતિ પૂજકો પ્રકૃતિના નવા સ્વરૂપની પરંપરાગત રીતે પૂજા કરી તેના વધામણા કરે છે.
વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતિયા : અખાત્રીજ. શાસ્ત્રોમાં આ દિવસને ખુબ જ શુભદિન માનવામાં આવે છે. ધરતીપુત્રો અખાત્રીજના દિવસથી ખેતર ખેડિ વાવણીની શુભ શરૂઆત કરે છે. આખું વર્ષ શુભ રહે તેવી પ્રાર્થના કરે છે.
છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામમાં આદિવાસીઓ સદીઓથી ચાલતી પરંપરા મુજબ અમાવસ્યાની સાંજે ગામની કોતરમા બે વેંરીઓ બનાવી તેને ખાખરાના નવા પાનથી આખી રાત ઢાકિ રાખે છે. વૈશાખ પડવાના દિવસે ગામના પટેલ, પૂજારા અને વડીલો દ્વારા ખાખરાના પાન પરથી ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ પરંપરાગત પૂજા બાદ નવા ખાખરા અને ટીમલીના પાન તોડવાનું શરૂ કરવામાં આવે છે. આમ સદીઓથી અહીં ચોમાસાની આગાહીનો મેળો યોજાય છે. જળ, જમીન, જંગલ સાથે અહીં ડુંગર દેવની પણ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે.
અખાત્રીજના દિવસે બાબા ટુડવા આઇ ટુડવી ડુંગરદેવ જેને સ્થાનિકો બાબા આઇ કહે છે. અખાત્રીજના દિવસે અહીં મેળો ભરાય છે. બાબા ટુડવાને ન્યાયના દેવ માનવામાં આવે છે. નિર્દોષ વ્યક્તિને જો સજા થતી હોય તો તે અહીં બેડીની માનતા રાખે છે. આ માનતા અખાત્રીજના દિવસ લોકો આવી પૂરી કરતા હોય છે. કોર્ટમાં ચાલતાં કેસમાં નિર્દોષ વ્યક્તિને બાબા ટુડવા ક્યારે સજા થવા દેતા નથી, એવી સ્થાનિકોની માન્યતા છે.
બાબો રતુમાળ ડુંગરદેવ મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલા દેવસ્થાન છે. ડુંગરદેવની તળેટી ગુજરાતમાં અને ટોચ મધ્યપ્રદેશમાં આવેલા છે. અહીં બાબા ઇન્દનુ આયખુ છે. અખાત્રીજના દિવસથી અહીં બાબા ઇન્દની પરંપરાગત રીતે પૂજા કરવા આવે છે. બાબા ઇન્દએ વરસાદના દેવ છે. બાબો રતુમાળ પર વરસાદનું આગમન થાય ત્યા સુધી પૂજારા અને બળવા દ્વારા પરંપરાગત રીતે પૂજા કરવામાં આવે છે.
આમ, આદિવાસી સમુદાય જમીન ખેડિ નવા પાકની વાવણી સાથે સદીઓથી ચાલતી પરંપરાનું જતન કરી વૈશાખ પડવા અને અખાત્રીજની ઉજવણી કરે છે.
ગુજરાતની આ સાંસ્કૃતિક વિરાસતથી નવી પેઢી અવગત થાય, તે માટે આજના દિવસે આ બાબત પ્રસ્તુત છે.