

*ગુજરાત પત્રકાર સંઘની વાર્ષિક સભા યોજાઈ: પત્રકારોના હિત અને સંગઠન મજબૂતી પર ભાર*
*યશવંત મહેતાના હસ્તે લેખસંગ્રહ પુસ્તિકાનું વિમોચન; ૨૦૨૬થી સભ્ય ફીમાં વધારો અને વેલ્ફેર ટ્રસ્ટની સહાય રાશિ ૧ લાખ સુધી લઈ જવાનો લક્ષ્યાંક*
૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન ખાતે ગુજરાત પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા તથા સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા સાહિત્યકાર અને સંઘના પથદર્શક શ્રી યશવંત મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારત્વના મૂલ્યો અને સંગઠન શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.સભા દરમિયાન શ્રી યશવંત મહેતાના બાળ સાહિત્ય અને પત્રકારત્વને અનુલક્ષીને વિનોદભાઈ દીક્ષિત દ્વારા તૈયાર કરાયેલ લેખસંગ્રહની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ બી. આર. પ્રજાપતિએ મુખ્ય મહેમાન યશવંત દાદાનું શાલ, રેંટિયો અને ‘ગુજરાત જર્નલ’ મુખપત્ર આપી સન્માન કર્યું હતું. મંચ પર ઉપસ્થિત જગદીશ બ્રહ્મભટ્ટ, ડો. નિખિલભાઈ શાહ, જયેશભાઈ વ્યાસ, નીતિન ખંભોળજા અને મહામંત્રી નટવરલાલ ભટ્ટનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.વાર્ષિક સભામાં ગત વર્ષના સદગત પત્રકારોને શ્રદ્ધાંજલિ અર્પી કાર્યવાહી શરૂ કરાઈ હતી. સભામાં ૨૦૨૪-૨૫નું વાર્ષિક સરવૈયુ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. સંગઠનને આર્થિક રીતે સદ્ધર કરવા માટે ૨૦૨૬થી સભ્યપદ ફી ૫૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સભ્ય સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચાડવા માટે જિલ્લાવાર મીટિંગો યોજવા હોદ્દેદારોને અનુરોધ કરાયો હતો.પ્રમુખ બી. આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અન્ય સંગઠનો આડેધડ પત્રકારોની નિમણૂક કરે છે, જ્યારે ગુજરાત પત્રકાર સંઘમાં મૂલ્યનિષ્ઠ પત્રકારો છે. સંઘમાં ૧૦ વર્ષથી વધુ સેવા આપનાર સભ્યોનું સન્માન કરાશે. ખાસ કરીને પત્રકાર વેલ્ફેર ટ્રસ્ટની સહાય રાશિ જે હાલ ૨૫,૦૦૦ છે, તેને વધારીને ૧ લાખ રૂપિયા સુધી લઈ જવા માટે ભંડોળ એકત્ર કરવા દિશાનિર્દેશ અપાયા હતા.‘ગુજરાત જર્નલ’ને એક વર્ષ સુધી જાહેરાતનો સહયોગ આપવા બદલ જીવરાજ મહેતા હોસ્પિટલ અને વિજય મહેતાનો આભાર માનવામાં આવ્યો હતો. ૧૫૦થી વધુ સભ્યો નોંધવા બદલ નટવરલાલ ભટ્ટ અને સાહિત્યકાર પરિક્ષિત જોશી તેમજ જગદીશ મેવાનું સન્માન કરાયું હતું. ટૂંક સમયમાં નડિયાદના સંતરામ મંદિર ખાતે જિલ્લા કક્ષાની મીટિંગ અને પાવાગઢ પ્રવાસનું આયોજન કરવાની વિચારણા છે.અંતમાં, અધ્યક્ષ યશવંત મહેતાએ સંગઠન શક્તિનો મહિમા સમજાવ્યો હતો અને પ્રમુખે પેન્શન તેમજ કાર્યાલય માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સમૂહ ભોજન બાદ સૌ પત્રકાર મિત્રો છૂટા પડ્યા હતા.




