

છોટાઉદેપુર
વિષ મુક્ત આહાર અને ઝેર મુક્ત ખેતી એટલે પ્રાકૃતિક ખેતી – પ્રફુલભાઈ
રોજીંદા જીવનમાં જરૂરી શાકભાજી આપણને આપણા ખેતરમાંથી મળી રહે-ધરતીપુત્ર પ્રફુલભાઈ
મહામહિમ રાજયપાલે મારા મોડેલ ફાર્મ અને ગૌશાળાની મુલાકાત લીધી – પ્રફુલભાઈ
છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી માર્ગી રાજપુતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ કુદરતી તત્વો અને આચરણ પર આધારિત ખેતી છે. મહામહિમ રાજયપાલ દેવવ્રત આચાર્યજી જમીન અને પર્યાવરણની કુદરતી ક્ષમતા જાળવીને ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.વર્તમાન સમયમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે તેમાં માન રાજયપાલ દેવવ્રતજીનો નોધનીય ફાળો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ટીંબી ગામના ધરતીપુત્ર પ્રફુલભાઈ રાઠવા માન રાજયપાલ દેવવ્રતજી અને આત્મા પ્રોજેકટથી પ્રેરણાથી વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક કૃષિ કરવાની શરૂઆત કરી હતી.આણંદ કૃષિ યુનિવર્સિટી, મંગલભારતી અને આત્મા પ્રોજેકટના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિકના પાંચ આયામો અપનાવી મોડલ ફાર્મ બનાવી તેમાં શાકભાજી વાવ્યા છે.
ધરતીપુત્ર પ્રફુલભાઈ સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, જમીન ખેડી ઘનજીવામૃત નાખી વાવણી માટે ખેતર તૈયાર કરૂ છું. જે શાકભાજી વાવ્યા હોય તેમાંથી જે બીજ મળે તેને બીજામૃત પટ આપી વાવણી કરૂ છું.શાકભાજીના વેલા અને છોડ મોટા થાય ત્યારે જરૂર જણાય તો જીવામૃત પાણી સાથે ક્યારામાં આપું છું.પ્રાકૃતિક કૃષિ અપનાવી હોવાથી મારી જમીન ફળદ્રુપ,રસાળ અને ભરભરી બની ગઇ છે. હાલ કિચન ગાર્ડનમાં દૂધી,ગલકા,ચોળી, કારેલા ,રીંગણી,મરચી વાવી છે. રોજીંદા જીવનમાં જરૂરી શાકભાજી આપણને આપણા ખેતરમાંથી મળી રહે છે. ખેતરમાં કેળ વાવી છે. કેળ થોડી મોટી થશે ત્યારે બે કેળની વચ્ચેની જગ્યામાં હળદર વાવીશ.
પ્રફુલભાઈએ વાત વાતમાં કહ્યું કે,ભરૂચના વાલ્યા તાલુકાની મુલાકાત દરમિયાન ગ્રાફટીંગની માહિતી મેળવી હતી. બસ ત્યારંથી આ નવતર પ્રયોગ ખેતરમાં કરવા જંગલી રીંગણીનો ઔષધીય છોડ ગ્રાફટીંગ માટે વાવ્યો છે. આ ઔષધીય છોડ પર ગ્રાફટીંગ (કલમ) દ્વારા વિવિધ જાતના (સુરતી,ડોલી,ગુલાબી ભટા) રીંગણ અને અન્ય પાકનું(ટમાટર,મરચા ) ઉત્પાદન મેળવી શકીએ છે.ગ્રાફટીંગ કરી વાવેતર કરવાથી એક છોડ લગભગ ત્રણ વર્ષ સુધી લગભગ એક કિલો ઉત્પાદન મેળ છે.
ધરતીપુત્ર પ્રફુલભાઈ જણાવે છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ફાર્મની પણ મે મુલાકાત લીધી હતી.ત્યારે મે વિચાર્યુ નહોતુ કે, જેમના ફાર્મની મુલાકાત લઇ રહ્યો છું તેઓ મારા ફાર્મ અને ગૌશાળાની મુલાકાતે આવશે,પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અંતર્ગત મહામહિમ રાજ્યપાલ છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા હતા ત્યારે મારા મોડેલ ફાર્મ અને ગૌશાળાની મુલાકાત લીધી હતી. દેશી ગૌ સંવર્ધન થકી તેમાં કોઈ ચોક્કસ એક સારી બ્રીડ ઉપર ધ્યાન આપવા માર્ગદર્શન આપ્યું હતું .
ઘરના વડીલની જેમ અમારા ખબરઅંતર પૂછી સાથે બેસી ભોજનનો આસ્વાદ માણ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કરતા હોવાથી ગુજરાતના રાજયપાલ નો આતિથ્ય સત્કાર કરવાનો લ્હાવો મળ્યો સાથે સાથે ટીંબી ગામ સહીત બીજા ગામના ખેડુતોને માન રાજયપાલશ્રી સાથે રાત્રિ સભામાં વાતચીત કરવાનો અવસર મળ્યો.
જીરો બજેટ, વિષ મુક્ત આધાર,ઝેરમુક્ત ખેતી અપનાવી તંદુરસ્ત સ્વાસ્થ્ય બનાવીએ અને બીજા ખેડુત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરીએ.
