
હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસે હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે પોસ્ટરો દ્વારા અભિયાન શરૂ કરાયું
છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર પોલીસ દ્વારા રોડ સલામતી અને ખાસ કરીને બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની જરૂરીયાત અંગે લોકોને જાગૃત કરવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં હેલ્મેટ વગર બાઈક ચલાવવાના કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે ઘણા યુવાનોએ પોતાની કિમતી જિંદગી ગુમાવવી પડી છે.
પાવીજેતપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્થાનિક બજાર વિસ્તારમાં, સ્કૂલ-કોલેજ નજીક તેમજ વાહન વ્યવહારની મહત્વની જગ્યાઓ પર મોટા પમાણે પોસ્ટરો લગાવીને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. આ પોસ્ટરોમાં હેલ્મેટ ન પહેરવાથી થતા ભયાનક પરિણામો, અકસ્માતોના ફોટા અને માર્ગ સલામતી સંદેશો દર્શાવવામાં આવ્યા છે, જેથી લોકોમાં ભાવનાત્મક અને સામાજિક સમજ પૂરી પાડીને તેઓ હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજી શકે.
પાવીજેતપુરના પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ જણાવ્યું કે, “અમે માત્ર દંડ માટે નહિ, પણ લોકોના જીવ બચાવવા માટે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. જો એક હેલ્મેટ કોઈનું જીવ બચાવી શકે, તો તે કોઈપણ કિંમતથી ઓછું નથી. ખાસ કરીને યુવાન રાઇડર્સને આ વિષયને ગંભીરતાથી લેવા અનુરોધ કરીએ છીએ.” સોશિયલ મીડિયા મારફતે પણ આ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેથી વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચી શકે.
આ પ્રકારની પહેલની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી છે અને આશા રાખી રહી છે કે પાવીજેતપુર પોલીસનું આ પગલું સમગ્ર જિલ્લામાં હેલ્મેટ અંગે શિસ્ત લાવશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે.


