નગરપાલિકાનો વિકાસ હાલ મંથર ગતિએ હોવાનું જણાઈ રહ્યું છે
છોટાઉદેપુર નગરપાલિકામાં ચાલતા કરોડો રૂપિયાના કામો ગોકુળ ગાય ગતીએ ચાલી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ચૂંટાયેલા સત્તાધારી જાગૃત સભ્યો એક્શન મોડમાં આવી કામની ગુણવત્તાનાં સુધારા સાથે કામમાં ઝડપ લાવે એ જરૂરી છે. છોટાઉદેપુર નગરમાં હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે ફાયર સ્ટેશન નું કામ, હાઈસ્કૂલમાં વિશાળ ઓડિટોરિયમ હોલ નું કામ, શાસ્ત્રી બાગમાં રીનોવેશન નું કામ, પેલેસ ચાર રસ્તા પર નાળા નું કામ સહિત અનેક કામો ચાલી રહ્યા છે.
છોટાઉદેપુર પાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી જુના અને જાણીતા 5 – 6 કોન્ટ્રાક્ટરો બધા કામો કરી રહ્યા હોવાથી અને મોટાભાગના સ્થાનિક કોન્ટ્રાક્ટર હોવાથી ઘણીવાર પોતાની મરજીથી સમય મર્યાદા પતી ગયા પછી પણ કામો પુરા નહીં કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. શાસ્ત્રી બાગ રિનોવેશનના કામમાં પેવર બ્લોક ની ક્વોલિટી અને પેવર બ્લોક બેસાડવાનું કામ શંકાસ્પદ જણાઇ રહ્યું છે. આ અંગે નગર વિકાસ સમિતિના સભ્યો અને શાસ્ત્રી બાગમાં મોર્નિંગ તથા ઇવનિંગ વોક કરતા નગરના નાગરિકોએ હાલમાં જ સત્તા પર બેઠેલા નવા બોર્ડના સભ્યોનું ધ્યાન દોર્યું છે. પેલેસ ચાર રસ્તા પર કેટલા વખતથી નાળાના સરફેસિંગ નું કામ અધૂરું છે. નગરની સ્કૂલમાં કરોડોના ખર્ચે બની રહેલા ઓડિટોરિયમ નું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ ઉપરાંત કરોડોના ખર્ચે બનતા ફાયર સ્ટેશનનું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
હાલમાં જ છોટાઉદેપુર નગરપાલિકા ને રાજ્યના મુખ્યમંત્રી એ બ વર્ગની નગરપાલિકા જાહેર કરી છે. હવે વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવશે ત્યારે સમગ્ર નગરના નાગરિકોની વર્તમાન સત્તાધારી બોર્ડ ઉપર બહુ જ મોટી અપેક્ષાઓ છે. આ સંજોગોમાં નવા કામો પણ જો ગોકુળ ગતિએ ચાલશે તો નગરનો વિકાસ અત્યંત ધીમી ગતિએ થશે. બંને બાંધકામ સમિતિના ચેરમેનો, બાંધકામ શાખા, ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ અને પ્રમુખ એક્શન મોડમાં આવીને બધા જ કામો નું સ્થળ નિરીક્ષણ કરે અને તાત્કાલિક લાગતા વળગતા કોન્ટેક્ટરોને સૂચના આપીને કામ ઝડપથી કરાવે એવી નગરજનોની માગણી અને લાગણી છે.
બોક્સ —–
નગરમાં ચાલતા કામો અંગે પ્રમુખ, ઉપપ્રમુખ અને કેટલાક સભ્યો સહિત કારોબારી અધ્યક્ષનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે શાસ્ત્રી બાગમાં થયેલા ક્ષતિયુક્ત કામને સુધારવાની સૂચના આપી છે અને ધીમી ગતિએ ચાલતા કામો અંગે અમે કોન્ટ્રાક્ટરોને લેખિત જાણ કરી છે. આવનારા સમયમાં જે કોન્ટેક્ટરો સમય મર્યાદા પૂરી થયા બાદ પણ કામો લબડાવી રાખે છે એમના કોન્ટેક્ટ રદ કરવા સુધીના પગલા પણ ભરીશું.
વર્ઝન —-
છોટાઉદેપુર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જે કામો ચાલી રહ્યા છે તે બાબતે અમારી પાસે ઘણી રજૂઆતો આવી છે આ બાબતે પાલિકાના હોદ્દેદારોએ ચીફ ઓફિસરનું પણ ધ્યાન દોર્યું છે ધીમી ગતિએ ચાલતા કામ અંગે કોન્ટ્રાક્ટરને પણ લેખિત જાણ કરી છે અને આવનારા સમયમાં મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જો કામો અધૂરા રાખવામાં આવશે તેમના કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીના પગલાં ભરીશું તેમ જણાવ્યું હતું